એક સજ્જનને ફરિયાદ કરતા સાંભળ્યા "આ નોકરી એ તો હાલત બગાડી નાખી છે. આટલું તે કઈ કામ હોતું હશે? આના કરતાં તો નોકરી ના હોય એ સારું." જે નોકરીથી એમનો જીવન નિર્વાહ ચાલે છે એ નોકરી માટે તેઓ નિઃસાસા નાખી રહ્યા હતા. આ તો એક ઉદાહરણ છે. આવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળીએ કે જોઈએ છીએ જેમાં લોકો નિરાશા, ફરિયાદ, આક્ષેપો, ટીકા વગેરે વ્યક્ત કરતાં હોય છે. ક્યારેક સામાજિક તો ક્યારે આર્થિક, ક્યારેક માનસિક તો ક્યારેક શારીરિક, કોઈ ને કોઈ તકલીફ તેમની પાસે હોય જ છે.
ઉપર જે ઉદાહરણ ટાંક્યું છે તેમાં આમ જોવા જઈએ તો ફરિયાદ કરવા માટે નું કોઈ કારણ દેખાતું નથી. અરે ભાઈ! થોડું કામ વધારે આવી ગયું તો એટલા બધા નિરાશ થવાની શું જરૂર છે? તમે જે કામ કરો છો તેના બદલા માં તમને પગાર મળે છે જેનાથી જ તો તમારા જીવન નો નિર્વાહ ચાલે છે. વાસ્તવ માં આપણી નિરાશાવાદીવૃત્તિ જ એટલીએ પ્રબળ છે કે દરેક વસ્તુ ની નકારાત્મક બાજુ આપણને પહેલાં દેખાય છે. એવા ઘણા લોકો છે જેઓ માત્ર કામ મેળવવા માટે પોતાના પરિવાર થી સેંકડો કિલોમીટર દુર જતા હોય છે, જયારે પોતાના જ ગામ માં સારી નોકરી ધરાવતો માણસ થોડા વધારે કામ થી પરેશાન થઇ નોકરી ને જ ગાળો ભાંડતો હોય છે. અનુકુળ અને પ્રતિકુળ સંજોગો દરેક ના જીવન માં અવતાજ હોય છે, આપણે તેને કઈ રીતે લઇએ છીએ તે મહત્વનું છે. Art of Living એ બીજું કઈ નહી પરંતુ જીંદગીને કેમ વધુ સારી રીતે જીવવી એ જ છે. સારી જીંદગી એટલે માત્ર પૈસો, સાધન સંપત્તિ, નોકર ચાકર, આર્થિક સદ્ધરતા જ હોય એ જરૂરી નથી પરંતુ વિષમ પરિસ્થિતિમાંપણ હકારાત્મક અભિગમ રાખી અને તેનો સામનો કરવો અને સંતુષ્ટ જીવન જીવવું એ છે. અહીં કોઈ પોતાની નોકરી થી ખુશ નથી પરંતુ તેને એ ખબર નથી તેની પાસે એક નોકરી તો છે જે તેના ઘર નો ચૂલો બળતો રાખે છે, માત્ર ૨ ટાઈમ ની રોટલી માટે સંઘર્ષ કરતા એવા કેટલાય બેરોજગારોથી તો એ નસીબદાર જ છે. કોઈ રોજ ના traffic થી ખુશ નથી, પરંતુ જે ગાડીમાં બેસી ને એ traffic માં ફસાય છે એ ગાડી કેટલાય લોકો માટે માત્ર એક સ્વપ્ન જ રહી જાય છે. કોઈ ને થોડું ચાલવું પડે તો કપરું લાગે છે પરંતુ એને એ ખ્યાલ નથી કે અપંગ લોકો માટે પોતાના પગ પર ચાલવાથી વિશેષ ખુશી કોઈ નથી. કોઈનો મિજાજ ખોરાક ના સ્વાદ થી બગડી જાય છે, પરંતુ એવા પણ લોકો છે જેમના માટે એક ટંકની રોટલી એક સંઘર્ષ છે. Positive Attitude એ સુખ ની જડીબુટ્ટી નથી પરંતુ દરેક પરિસ્થિતિ ને સ્વીકારવાની કળા અને વિકટ પરિસ્થિતિઓમાં હિંમતપૂર્વક ઝઝૂમવા માટેની ઉર્જા છે. એ જ Art of Living છે અને જો આ Art આત્મસાત થઇ જાય પછી સુખ અને દુઃખ માત્ર એક અવસ્થા બની જાય છે જેને જોતજોત માં પસાર કરી શકાય છે.
આપણે સૌ કોઈ ને કોઈ વાત થી પરેશાન હોઈએ છીએ અને આપણી સમસ્યાઓ નો ઢંઢેરો પીટતા હોઈએ છીએ. પરંતુ સિક્કાની બીજી બાજુ નજર કરતા માલુમ પડે છે જે આપણી પાસે છે એના માટે આપણે કેટલા નસીબદાર છીએ. હકીકત માં આપણને ફરિયાદ કરવાનો કોઈ હક જ નથી. એનો અર્થ એવો પણ નથી કે આપણે જે તે પરિસ્થિતિ નો સ્વીકાર કરી ને બેસી રહેવું જોઈએ. દરેક સંજોગો ને બહેતર બનાવવાના પ્રયત્નો કરવા જ જોઈએ પરંતુ વર્તમાનના કપરા સંજોગો નો હકારાત્મક વલણથી સામનો કરવો જોઈએ. કોઈ એ સાચું જ કહ્યું છે કે "To make your life, first learn to take your life". સુખ અને દુઃખ મુળભુત રીતે તો આપણાં મન ની અવસ્થાઓ જ છે જે આપણા અભિગમ દ્વારા નક્કી થાય છે. મહાન નાટ્યકાર અને લેખક જ્યોર્જ બર્નાડ શો એ બહુ સુંદર લખ્યું છે ,"Life is no brief candle to me. It is a sort of splendid torch which I have got hold for the moment and I want to make it burn as brightly as possible before handing it over to the future generations."
કેટલો મહાન વિચાર! બર્નાડ શો અહી મીણબત્તી અને ટોર્ચ નો તફાવત પ્રદર્શિત કરે છે. પ્રકાશ તો બન્ને આપે જ છે પરંતુ મીણબત્તી જયારે સંપૂર્ણ રીતે ઓગળી જાય છે ત્યારે ઓલવાઈ જાય છે. બર્નાર્ડ શો કહે છે કે તેમની જીંદગી એક એવી અદભુત ટોર્ચ છે જે અત્યારે એમના હાથ માં છે, અને જ્યાં સુધી એ તેમના હાથ માં છે ત્યાં સુધી છે ત્યાં સુધી તેઓ તેને શક્ય તેટલી પ્રજ્વલિત રાખવા માંગે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જીંદગી ને શક્ય હોય તેટલી માણો અને શક્ય હોય તેટલી ઉપયોગી બનાવો. જીંદગી તો દરેક જીવે છે પરંતુ તેને મીણબત્તી ની જેમ લેવી કે ટોર્ચ ની જેમ એ તમારે નક્કી કરવાનું છે. આનંદ પિક્ચરમાં જેમ રાજેશ ખન્ના કહે છે તેમ "જીંદગી બડી હોની ચાહિયે, લંબી નહિ.." કોઈ નો ભૌતિક ભોગવટો જોઈ એમ માનવું નિર્થર્ક છે કે સુખી થવા માટે ગાડી, બંગલો, સુંદર સ્ત્રીઓનો સંગાથ જ જરૂરી છે. જીવનની દરેક ક્ષણમાં આનંદ મેળવવો એ સુખ છે. સવાર ના ઉગતા સૂર્યનું સૌન્દર્ય પણ પ્રસ્સનતા આપે છે, પંખીઓ નો કલરવ પણ આનંદ આપે છે, સાંજના સમય માં આકાશમાં પથરાતા સૂર્યના કિરણોની રંગોળી પણ મનોહર હોય છે. હકીકત માં માણસે સુખ ને ભૌતિક વસ્તુઓ સાથે એટલું બધું જોડી દીધું છે કે તેને માટે બન્ને એકબીજાના પર્યાય બની ગયા છે. એના સિવાય પણ ખુશી મળી શકે વાત તેને જલ્દી સમજાતી નથી. ખુશી તો આજુબાજુ છે જ, જરૂર છે તેને પારખવાના અભિગમની! નાની-નાની વાતો માંથી જો ખુશી મેળવતા આવડી જાય તો સમજી લો કે તમે જીવન જીવવાની કળા આત્મસાત કરી લીધી છે. દરેક પરિસ્થિતિ માં હસતા રહેવું એ જ આનંદ મેળવવાની ચાવી છે અને એ જ Art of Living છે!